રફ્તારનો કહેર: રોંગ સાઈડમાં આવતી ટ્રકે કારને હડફેટે લઈ પલટી મારી, ચાલકનો આબાદ બચાવ

નવસારી: ચીખલી તાલુકાના સરૈયા ત્રણ રસ્તા પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક અશોક લેલન ટ્રકે સામેથી આવતી કાર પર પલટી મારી દેતા કારનો કુરચો બોલી ગયો હતો. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ, સુરતના કનસાડ ગામના રહેવાસી ડબ્લુકુમાર પટેલ (ઉં.વ.37) પોતાની ટાટા ટિયાગો કાર નંબર GJ-05-RV-4761 લઈને સણવલ્લાથી સરૈયા તરફ જઈ રહ્યા હતા.

તા.18મી નારોજ સવારે સરૈયા ત્રણ રસ્તા પાસેના વળાંકમાં સામેથી આવતી ટ્રક નંબર MH-45-AF-5019 ના ચાલક ભરત તુકારામ સોલનકરે ગફલતભરી રીતે ટ્રક હંકારી કાર પર પલટી ખવડાવી દીધી હતી.આ અકસ્માતમાં ટ્રક સીધી કાર પર પડી હતી, જેના કારણે કાર ટ્રક નીચે દબાઈ ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું.

કાર ચાલક ડબ્લુકુમારને છાતીના ભાગે મૂઢ માર અને ઘૂંટણ પર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા.આ મામલે ચીખલી પોલીસે ટ્રક ચાલક ભરત સોલનકર (રહે.મહારાષ્ટ્ર) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!