વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. વીરક્ષેત્ર ગામ નજીક મુસાફરોથી ભરેલી એક પીકઅપ વાન પલટી જતાં 6 વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. સામાજિક પ્રસંગમાં જઈ રહેલા પરિવારને નડેલા આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ પીકઅપ વાનમાં કુલ 28 જેટલા મુસાફરો સવાર હતા. આ પરિવાર કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. જ્યારે વાન વીરક્ષેત્ર ગામ પાસેના એક ચઢાણવાળા રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ગાડીની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ઢાળ પર બ્રેક ન લાગતા વાન પાછળની તરફ (રિવર્સ) આવવા લાગી હતી, જેના કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને વાન રસ્તા પર જ પલટી મારી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જે પરિવારમાં સામાજિક પ્રસંગને લઈને આનંદનો માહોલ હતો, ત્યાં આ અકસ્માતે માતમ પ્રસરાવી દીધો છે. એક જ પરિવારના સભ્યો હોવાનું મનાતા આ મુસાફરો ખુશીના પ્રસંગમાં સામેલ થવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ કાળ આંબી ગયો.પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.





