ગાંધીનગર: રાજ્યમાં પડી રહેલી પ્રચંડ ગરમી અને આગામી હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. વધતા તાપમાન અને લૂ સામે રક્ષણ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ પણ અમલી બનાવવામાં આવ્યો છે.
શું કરવું અને શું ટાળવું?
આરોગ્ય વિભાગે નાગરિકોને ગરમીથી બચવા માટે નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરી છે.
સમયનું ધ્યાન: બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું.
રક્ષણાત્મક તૈયારી: જો બહાર જવું અનિવાર્ય હોય, તો માથા પર ટોપી, રૂમાલ અથવા ભીનું કપડું રાખવું.
પહેરવેશ: શરીરને ઠંડક મળે તેવા હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા.
હાઈડ્રેશન: પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. આ ઉપરાંત છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહીનું સેવન વધારવું.
વિશેષ કાળજી: બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓની ગરમીમાં વિશેષ સંભાળ લેવી.
નોંધ: જો તમને અચાનક ચક્કર આવે, ખૂબ તરસ લાગે, માથામાં અસહ્ય દુખાવો થાય કે બેભાન જેવી અવસ્થા જણાય, તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ : હીટસ્ટ્રોકના સંભવિત કેસોને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે રાજ્યભરમાં વ્યાપક વ્યવસ્થાઓ ઉભી કરી છે.
ડેડિકેટેડ હીટ સ્ટ્રોક રૂમ: દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૫ બેડનો અલાયદો રૂમ.
દરેક સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં ૨ બેડની અનામત સુવિધા.
દવાઓનો જથ્થો: તમામ હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં IV ફ્લુઈડ્સ, ORS પેકેટ અને આઈસ પેકનો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
મોનિટરિંગ: ૧ માર્ચ, ૨૦૨૬ થી IHIP પ્લેટફોર્મ દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ફાયર અને ઇલેક્ટ્રિક સેફ્ટી: હોસ્પિટલોમાં વીજ વપરાશ વધતા ઇલેક્ટ્રિક લોડ ઓડિટ કરવા અને અવિરત વીજ પુરવઠો જાળવવા સૂચના અપાઈ છે.આરોગ્ય વિભાગે તમામ જિલ્લા અધિકારીઓને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યા છે, જેથી ગરમીના પ્રકોપ સામે નાગરિકોને ત્વરિત અને અસરકારક સારવાર મળી રહે.





