ભરૂચ જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગમાં સત્તાનો દુરુપયોગ કરી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ACB દ્વારા આ મામલે ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી સહિત ત્રણ અધિકારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી નરેશ જાનિ અને તેમની ટોળકીએ નિયમોને નેવે મૂકી પરમીટધારકો સાથે એવી ‘ગોઠવણ’ કરી કે સરકારને સીધું રૂ.૧.૧૭ કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મળતી વિગતો અનુસાર અંગારેશ્વર ગામના સર્વે નંબર ૧૧ અને ૩૨માં સાદી રેતીના ખાણકામ માટે આપવામાં આવેલી પરમીટમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અધિકારીઓએ પરસ્પર મેળાપીપણું રચીને પરમીટધારકોને આર્થિક લાભ કરાવી સરકારને કુલ રૂ. ૧,૧૭,૦૨,૬૭૩/- નું નુકસાન પહોંચાડ્યું છે.
તપાસ દરમિયાન સર્વે નંબર ૧૧ માં આ સ્થળે બિનઅધિકૃત રીતે ખાણકામ થતું હોવાનું રેઈડ દરમિયાન ઝડપાયું હોવા છતાં, ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રીએ પંચકાસની યોગ્ય ખરાઈ કર્યા વિના જ વાહનો છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ બેદરકારીને કારણે સરકારને રૂ. ૪૯.૮૫ લાખ થી વધુનું નુકસાન થયું છે. જયારે સર્વે નંબર ૩૨ માં અહીં પરમીટધારક પાસેથી નિયમ મુજબ રૂ. ૬૭.૧૭ લાખનો દંડ વસૂલવાનો થતો હતો, પરંતુ આરોપીઓએ ખોટા માપ અને નકશા તૈયાર કરી લઘુત્તમ દંડ વસૂલી પરમીટધારકને ફાયદો કરાવ્યો હતો. આ મામલે એસીબીએ (૧) નરેશભાઈ માવજીભાઈ જાનિ – ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧ (૨) અશ્વીનભાઈ લાલજીભાઈ કોટડીયા -સર્વેયર, વર્ગ-૩ (૩)ભાવેશભાઈ રામજીભાઈ પરમાર (માઇન્સ સુપરવાઈઝર) આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી આર્થિક ભ્રષ્ટાચાર આચરનારા તત્વોમાં આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.





