Trending News: ચિકન સેન્ટર પર પોલીસની ‘રેડ’, ૪ કરોડની લૂંટનો ‘મરઘો’ ઝડપાયો!

કહેવાય છે ને કે ‘કાનૂનના હાથ લાંબા હોય છે’, પણ ઉમરપાડા પોલીસના પગ પણ એટલા જ તેજ નીકળ્યા! કર્ણાટકના મેંગ્લોરૂમાં ૪ કરોડ રૂપિયાની અધધ… લૂંટ ચલાવીને એક વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો ગુનેગાર આખરે સુરત જીલ્લાની પોલીસના સકંજામાં આવી ગયો છે.

કર્ણાટક રાજ્યના મેંગ્લોરૂ સિટીના ઉલ્લાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૪ કરોડની લૂંટના ગુનામાં ધર્મવીર સિંગ (રહે.ઉત્તર પ્રદેશ) નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. આ ‘હાઈ-પ્રોફાઈલ’ ગુનેગાર સુરત ગ્રામ્યના ઉમરપાડા વિસ્તારમાં છુપાયો હોવાની પાક્કી બાતમી પોલીસને મળી હતી.

બાતમી મળી હતી કે આરોપી ઉંચવાણ ગામની સીમમાં આવેલા ‘ન્યુ ધ ગ્રેટ આદિવાસી દેશી ચિકન & એગ સેન્ટર’ પર હાજર છે. ઉમરપાડા અને કર્ણાટક પોલીસની સંયુક્ત ટીમે જ્યારે ત્યાં છાપો માર્યો, ત્યારે પોલીસને જોતા જ ધર્મવીર સિંગે ‘દોડ’ લગાવી હતી. તે પોલીસને થાપ આપવા દુકાન પાછળના ખેતરોમાં ભાગવા લાગ્યો હતો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ પણ પાછળ દોટ મૂકી તેને ખેતરોમાં જ દબોચી લીધો હતો.પકડાયેલા આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી લેતા તેને આગળની તપાસ માટે કર્ણાટક પોલીસને સોંપવામાં આવ્યો છે.

error: Content is protected !!