વ્યારા તાલુકાના ખુશાલપુરા સ્થિત ‘શ્રી ઉકાઇ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ’ વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મંડળીના એક નિવૃત્ત કર્મચારીની ગ્રેજ્યુઈટીની રકમ ચૂકવવામાં આનાકાની અને હાઈકોર્ટના આદેશની અવગણના કરવા બદલ મંડળીના બેંક ખાતાઓ સીઝ કરી દેવામાં આવ્યા છે અને તેની જંગમ મિલકત જપ્ત કરવામાં આવી છે.
હાઈકોર્ટના આદેશ છતાં ૨.૭૪ લાખની ચુકવણીમાં વિલંબ થતા મંડળીના બેંક એકાઉન્ટ સીઝ કરી ટ્રેક્ટર-ટ્રોલી જપ્ત કરાઈ : મંડળીના એન્જિનિયરિંગ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા લાલસિંહભાઈ બાબલાભાઈ ગામીતની ગ્રેજ્યુઈટીની રૂ. ૨,૭૪,૯૯૧ની રકમ વ્યાજ સહિત ચૂકવવાનો મંડળી દ્વારા લાંબા સમયથી વિલંબ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે નામદાર હાઈકોર્ટ અને મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા રિકવરી સર્ટિફિકેટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. તેમ છતાં મંડળી દ્વારા ચુકવણી ન કરાતા આખરે જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા દ્વારા મળેલી માહિતી અનુસાર, વ્યારા તાલુકા પંચાયત દ્વારા મંડળીને અગાઉ નોટિસ પાઠવી નિર્ધારિત સમયમાં નાણાં ચૂકવવા તાકીદ કરાઈ હતી. જોકે, સમયમર્યાદા પૂર્ણ થવા છતાં ચુકવણી ન થતા તંત્ર દ્વારા મંડળીના તમામ બેંક એકાઉન્ટ્સ સીઝ કરી દેવાયા છે.મંડળીની મિલકત એવા ટ્રેક્ટર અને ટ્રેક્ટર-ટ્રોલીને જપ્ત કરવામાં આવ્યા છે.ગ્રેજ્યુઈટીના હક માટે લડતા નિવૃત્ત કર્મચારીના પક્ષમાં તંત્ર દ્વારા લેવાયેલા આ કડક વલણને પગલે અન્ય સહકારી સંસ્થાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.





