બારડોલી તાલુકાના સુરાલી ગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગત ૦૮-મેના રોજ મોપેડ પર જઈ રહેલા ૮૫ વર્ષીય વૃદ્ધને કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામના રહેવાસી માનસિંગભાઈ ભીખાભાઈ ચૌધરી (ઉં.વ.૮૫) ગત શુક્રવાર, ૦૮-મે-૨૦૨૬ ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સુમારે પોતાની હીરો કંપનીની મેસ્ટ્રો મોપેડ નંબર જીજે/૦૫/એચઆર/૮૭૬૦ લઈને સુરાલી ગામે તેમના ભાણેજને મળવા નીકળ્યા હતા. સુરાલી-બોરખડી રોડ પર ધારીયા ઓવારા ફળીયા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી માનસિંગભાઈની મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે માનસિંગભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ રોડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક બારડોલીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ, ૧૩ મે ૨૦૨૬ ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના પુત્ર કીરણભાઈ ચૌધરીની ફરિયાદના આધારે બારડોલી રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




