સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાને રાખીને બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણના ભાગરૂપે, બારડોલી પોલીસે તલાવડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનાર એક ભંગારના વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે તા.૧૪મી મે નારોજ સાંજે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તપાસ દરમિયાન તલાવડી ખાતે આવેલી એક ભંગારની દુકાનમાં ચેક કરતા માલુમ પડ્યું હતું કે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નહોતા.પોલીસે આ મામલે દુકાનદાર અનીશભાઇ આમીનભાઇ કુરેશી (ઉં.વ.૨૪, રહે.આશિયાના નગર, બારડોલી) વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, તમામ વેપારી એકમો અને ભીડભાડવાળી જગ્યાઓએ ૩૦ દિવસના બેકઅપ સાથે હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે, જેનો અહીં ભંગ થયેલો જોવા મળ્યો હતો. બારડોલી પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી છે.





