નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશન હેઠળના બે અલગ-અલગ ગામોમાં હિંસક હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. કોલવા ગામે મજૂરીના બાકી પૈસા માંગતા યુવક પર ઈંટ વડે જીવલેણ હુમલો કરાયો છે, જ્યારે દેસાડ ગામે પ્રેમિકા સાથેના ઝગડામાં વચ્ચે પડેલા પિતા-પુત્રએ યુવકને લાકડાના ફટકા માર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે કોલવા ગામના પાદર વિસ્તારમાં રહેતા અક્ષયભાઈ ભીખુભાઈ હળપતી પર તેના જ ફળિયામાં રહેતા કિરણ ઉર્ફે કાળુ કછુભાઈ હળપતીએ જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની વિગત મુજબ, અક્ષયભાઈ પોતાની મહેનતના બાકી પૈસા લેવા ગયા ત્યારે આરોપીએ પૂરા પૈસા આપવાને બદલે ગાળાગાળી કરી માથાના ભાગે ઈંટનો જોરદાર ફટકો મારી દીધો હતો. આ હુમલામાં અક્ષયભાઈને ગંભીર ઈજાઓ થતા માથાના હાડકામાં ફ્રેક્ચર અને બ્રેઈન હેમરેજ થયું છે. હાલ તેઓ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. ગણદેવી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટના દેસાડ ગામના પાટીનાર ફળિયામાં બની હતી. ફરિયાદ મુજબ, દિલીપભાઈ મંગુભાઈ હળપતી પોતાની પ્રેમિકા રેખાબેન સાથે પૈસાની બાબતે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન પાડોશમાં રહેતા શૈલેષભાઈ ભિખુભાઈ હળપતી અને તેમનો પુત્ર સંતોષભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા. “તમે અમારી વચ્ચે કેમ પડો છો?” તેમ કહેતા જ પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને દિલીપભાઈને ઢીક-મુક્કાનો માર માર્યો હતો. આ દરમિયાન સંતોષભાઈએ લાકડાના ફટકા વડે દિલીપભાઈના માથામાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.





