પલસાણાના બગુમરામાં પરિણીતાની ગળું દબાવી હત્યાનો ભેદ ઉકેલાયો: હત્યારો પતિ દિલ્હી રેલ્વે સ્ટેશનેથી ઝડપાયો

સુરત ગ્રામ્ય જીલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલા એક એપાર્ટમેન્ટમાં થોડા દિવસો પહેલા થયેલી ૨૨ વર્ષીય મહિલાની ભેદી હત્યાનો ભેદ સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પત્નીની ઘાતકી હત્યા કરીને પોતાના વતન ભાગી જવાની ફિરાકમાં રહેલા હત્યારા પતિને પોલીસે જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી દબોચી લીધો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણાના બગુમરા ગામની હદમાં આવેલી મહાદેવ વિલા બિલ્ડિંગના રૂમ નંબર-૫૦૬માં ગત તારીખ ૧૭/૦૫/૨૦૨૬ના રોજ સવારના ૦૮:૩૦ વાગ્યા પહેલાં મૈવિશ ખાતૂન (ઉં.વ.૨૨) નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ખૂનના આ ગંભીર ગુનાની સંવેદનશીલતાને ધ્યાને લઈને પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ હતી.આરોપીને પકડવા માટે ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.તપાસ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મરણજનાર મૈવિશ ખાતૂનની હત્યા તેના પતિ શિવમસિંહ ઠાકુરે જ કરી છે અને તે ટ્રેન મારફતે દિલ્હી થઈને પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી જવાની પેરવીમાં છે. બાતમીના આધારે તાત્કાલિક પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ હતી અને આરોપીને સતત ટ્રેક કરીને જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી તેને વતન ભાગી છૂટે તે પહેલા જ ઝડપી લીધો હતો. પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

પોલીસ પૂછપરછમાં આરોપી શિવમસિંહ રણજીતસિંહ ઠાકુર (ઉં.વ.૨૫, ધંધો-મજૂરી) એ જણાવ્યું હતું કે, તેના સોશિયલ મીડિયા પર અન્ય કોઈ મહિલા સાથે સંપર્ક હતા. આ બાબતની જાણ તેની પત્ની મૈવિશ ખાતૂનને થઈ જતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બનાવના દિવસે પણ આ જ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈને શિવમસિંહે પત્ની મૈવિશનું ગળું દબાવીને તેની ક્રૂર હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.હાલ પલસાણા પોલીસ આરોપીને દિલ્હીથી સુરત લાવીને આ મામલે વધુ કાયદેસરની તપાસ ચલાવી રહી છે.

error: Content is protected !!