ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા અને અપહરણ કરાયેલા સગીરોને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન “મિલાપ” અંતર્ગત સુરત ગ્રામ્ય LCB ને મોટી સફળતા મળી છે. પાટણ શહેરમાંથી એક સગીરાનું અપહરણ કરીને નાસી ગયેલા ૨૧ વર્ષીય આરોપીને સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે ભોગ બનનાર સગીરા સાથે કામરેજ ગામ ખાતેથી દબોચી લીધો છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીની ટીમો આ અંગે સઘન તપાસ કરી રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષય શંકરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે પાટણ શહેર બી-ડિવિઝન પોલીસ મથકની હદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી મુકેશભાઈ તરસિંગભાઈ ઠાકોર (ઉં.વ.૨૧, મૂળ રહે. ભાભર) હાલ કામરેજ ગામની પટેલ ટાઉનશીપમાં સગીરા સાથે છુપાયો છે.
બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને આરોપીને ઝડપી લીધો હતો અને સગીરાને મુક્ત કરાવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે સગીરાને લગ્નની લાલચ આપીને પાટણથી ભગાડી લાવ્યો હતો. આરોપી સામે પાટણ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. સુરત ગ્રામ્ય પોલીસે આરોપી અને સગીરાનો કબ્જો આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાટણ જિલ્લા પોલીસને સુપ્રત કર્યો છે.





