સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે માંડવી તાલુકાના પુનાગામની હદમાં માંડવી-કીમ રોડ પરથી આંતરરાજ્ય દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે.પોલીસની ટીમે ઈલેક્ટ્રિક પાર્ટ્સના બનાવટી બિલની આડમાં કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો કબ્જે કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડવી-કીમ રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી. તે દરમિયાન શંકાસ્પદ અશોક લેલેન્ડ કન્ટેનર નંબર એમએચ/૪૬/એફ /૫૭૭ ને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂપિયા ૧૯,૫૭,૩૩૨/- ની કિંમતની કુલ ૯,૩૦૦ નંગ વિદેશી દારૂની બાટલીઓ મળી આવી હતી. દારૂનો આ જથ્થો મહારાષ્ટ્રથી ભરીને ગુજરાતના અંકલેશ્વર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. વિદેશી દારૂ અને કન્ટેનર ટ્રક સહિત કુલ રૂપિયા ૩૪,૬૪,૫૩૨/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે કન્ટેનરના ચાલક લાખારામ બન્નારામ જાટ (રહે.બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. જ્યારે આ દારૂનો જથ્થો ભરાવી આપનાર અશોક, ગાડી મોકલનાર શ્રવણ (રહે.રાજસ્થાન) અને અંકલેશ્વરમાં દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





