નખત્રાણાના ઘડાણીમાં કાળોતરો સાપ પકડવા જતાં ૨૪ વર્ષીય સાપપ્રેમી યુવાનનું કરૂણ મોત: ગામમાં શોકનો માહોલ

ભુજ : નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે માનવતાનું કામ કરવા જતાં એક સાપ પકડનારા આશાસ્પદ યુવાન માટે ઝેરી કાળોતરો સાપ જ કાળ સાબિત થયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોતાના જ ફળિયામાં નીકળેલા અત્યંત ઝેરી સાપને પકડીને પ્લાસ્ટિકના ડબ્બામાં સુરક્ષિત પૂરતી વખતે સાપે ડંસ મારી દેતાં યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. અનેક મૂંગા જીવો અને માનવીઓના જીવ બચાવનારા યુવાનના આવા અણધાર્યા અવસાનથી મહેશ્વરી સમાજ અને સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો મુજબ, ઘડાણી ગામના અસ્મિતા જાગૃતિ વાસમાં આવેલી સ્વર્ણ સોસાયટી વિસ્તારમાં ગત ૨ જૂનની સાંજે એક ભયાનક કાળી નાગણ (કાળોતરો સાપ) દેખાઈ હતી. આ અંગે ફળિયામાં જ રહેતા અને લાંબા સમયથી નિઃસ્વાર્થ ભાવે સાપ પકડવાની સેવા આપતા ૨૪ વર્ષીય યુવાન મોહન વાછિયાભાઇ મહેશ્વરીને જાણ કરવામાં આવી હતી.મોહનભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોતાની કુશળતાથી નાગણને કાબૂમાં લઈ લીધી હતી. જો કે, આ જીવને જંગલમાં મુક્ત કરવા માટે જ્યારે તેઓ પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી રહ્યા હતા, ત્યારે અચાનક નાગણે તેમની આંગળી પર ડંસ મારી દીધો હતો.

ઝેરની તીવ્ર અસરના કારણે મોહનભાઈની તબિયત લથડતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. પરંતુ, કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતક મોહનભાઈ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અગાઉ પણ તેમણે અનેક ઝેરી અને બિનઝેરી સાપોનું સુરક્ષિત રેસ્કયૂ કરીને તેમને વન-વગડામાં મુક્ત કર્યા હતા. આ દુઃખદ મામલે પરિવારે અકસ્માતને કુદરતી કે થવાકાળ ગણીને પોસ્ટમોર્ટમ અથવા પોલીસ તપાસ કરાવવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે આ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી અને હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી પ્રક્રિયા બાદ મૃતદેહ વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો.

error: Content is protected !!