વાલોડના અંબાચ ગામે સોનાની ચેઈન ચમકાવવાના બહાને રૂ.૮૦ હજાર ની ઠગાઈ: બે અજાણ્યા બાઈક સવારો સામે ગુનો દાખલ

વાલોડ તાલુકાના અંબાચ ગામે આશ્રમ ફળિયામાં રહેતા એક વૃદ્ધ મહિલા સાથે સોનાની ચેઈન ચમકાવી આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. કાળા રંગની પલ્સર મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઠગો વૃદ્ધાની નજર ચૂકવી અંદાજે રૂપિયા ૮૦ હજારની કિંમતની ૨ તોલાની સોનાની ચેઈન લઈ રફુચક્કર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંબાચ ગામે આશ્રમ ફળિયામાં રહેતા ૬૩ વર્ષીય વિધવા અરવિંદાબેન હર્ષદભાઈ ગામીત ગત ૮ જૂનના રોજ સવારે પોતાના ઘરની આગળ હાજર હતા. તે દરમિયાન આશરે ૨૫ થી ૩૫ વર્ષની ઉંમરના બે અજાણ્યા ઈસમો બાઈક પર ત્યાં આવ્યા હતા. આ ઠગોએ અરવિંદાબેનને વાસણો તેમજ સોના-ચાંદીના દાગીના કેમિકલ પાવડર વડે ચમકાવી આપવાની વાતો કરી વિશ્વાસમાં લીધા હતા.

ત્યારબાદ, ગળામાં પહેરેલી સોનાની ચેઈન સાફ કરી આપવાનું કહી, કેમિકલવાળા પાત્રમાં ચેઈન નંખાવી હતી. ઠગોએ ઈરાદાપૂર્વક અરવિંદાબેનની નજર ચૂકવી, છેતરપિંડી આચરી સોનાની ચેઈન સેરવી લીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

આ અંગે અરવિંદાબેને વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!