ગેસ્ટ હાઉસ માટે નવું વીજ કનેક્શન આપવા અને નવું ટી.સી. ફિટ કરી આપવાના અવેજ પેટે રૂ.૮૦,૦૦૦/- ની લાંચ લેતા PGVCL સાપર સબ ડિવિઝનના બે કર્મચારીઓને ACB એ રંગેહાથ ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં વર્ગ-૧ ના નાયબ ઇજનેર (ડેપ્યુટી એન્જિનિયર) અને વર્ગ-૪ ના આસિસ્ટન્ટ લાઇનમેનનો સમાવેશ થાય છે.
એક જાગૃત નાગરિકે પોતાના ગેસ્ટ હાઉસનો વીજ લોડ વધારવા અને નવા વીજ કનેક્શન માટે સાપર સબ ડિવિઝનની કચેરીમાં અરજી કરી હતી. આ કામ ઘણા સમયથી અટકાવી રાખીને, નવું મીટર અને ટી.સી. લગાવી આપવા માટે નાયબ ઇજનેર ઋષિ પરમારે શરૂઆતમાં રૂ.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરી હતી. જો કે, રકઝકના અંતે રૂ.૮૦,૦૦૦/- નક્કી થયા હતા.ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે ૧૭ જૂન ૨૦૨૬ના રોજ જામનગર-ખંભાળીયા હાઇવે રોડ પર મોટી ખાવડી પાસે, નાગાર્જુન પેટ્રોલ પંપ સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
નાયબ ઇજનેર વતી આસિસ્ટન્ટ લાઇનમેન મનોજ પ્રજાપતિ ત્યાં લાંચની રકમ લેવા પહોંચ્યો હતો.લાઇનમેને ફરિયાદી સાથે વાતચીત કરી રૂ.૮૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.એ તેને રંગેહાથ પકડી લીધો હતો. ત્યારબાદ કચેરી ખાતે હાજર નાયબ ઇજનેર ઋષિ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે. એ.સી.બી.એ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





