Tapi : વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી

વ્યારા તાલુકાના કણજા ગામ નજીક તાપી નદીના પટમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારીશ્રી વ્યારા, મામલતદારશ્રી, ભુસ્તર વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર ખનન ઝડપાયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, સંયુક્ત ટીમે તાપી નદીના પટમાં દરોડો પાડતા સ્થળ પરથી રેતીના ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા ૩ હિટાચી મશીન, ૧૦ નાવડીઓ તેમજ રેતી ભરેલા ૨ હાઈવા ટ્રક મળી આવ્યા હતા. તંત્રએ તમામ વાહનો અને સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.વહીવટી તંત્રના જણાવ્યા મુજબ નદીના કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ અને ગેરકાયદેસર ખનન પર નિયંત્રણ લાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.ગેરકાયદેસર રીતે ખનિજ સંપત્તિનું ખનન કરનાર તત્વો સામે કાયદાની જોગવાઈઓ મુજબ દંડાત્મક અને કડક કાર્યવાહી કરવામાં આવશે.આ સમગ્ર મામલે ભુસ્તર વિભાગ, તાપી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે ખનિજ નિયમો હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકો પણ નદીના પર્યાવરણ અને કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે આવી કાર્યવાહીને આવકારી રહ્યા છે.

error: Content is protected !!