કચ્છના બંદરીય શહેર મુંદરા અને સમગ્ર જિલ્લાના લોકો માટે હવાઈ કનેક્ટિવિટીના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. અત્યાર સુધી મુખ્યત્વે ચાર્ટર્ડ અને ખાનગી વિમાનો માટે ઉપયોગમાં લેવાતું અદાણી મુંદરા એરપોર્ટ હવે નિયમિત પેસેન્જર ફ્લાઇટ સેવા સાથે કાર્યરત બન્યું છે.
‘સ્ટાર એર’ એરલાઇન્સના સહયોગથી મુંબઈ અને ગોવાને જોડતી પ્રથમ પેસેન્જર ફ્લાઇટનું સોમવારે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અદાણી સમૂહના જીત અદાણી, રક્ષિત શાહ તેમજ કચ્છના સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં રિબન કાપી અને કેક કાપીને નવી સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો.આ નવી સેવા સાથે ભુજ અને કંડલા બાદ કચ્છને ત્રીજું એરપોર્ટ મળ્યું છે, જેનાથી જિલ્લાની હવાઈ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ટાર એર દ્વારા શરૂ કરાયેલી સેવાથી મુંદરા હવે દેશના કુલ આઠ મહત્વના શહેરો સાથે સીધી હવાઈ સેવા દ્વારા જોડાયું છે. મુસાફરો હવે મુંદરાથી મુંબઈ, ગોવા, ગાઝિયાબાદ (દિલ્હી-એનસીઆર), સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ માટે સીધી ફ્લાઇટનો લાભ લઈ શકશે.

નવી હવાઈ સેવાથી કચ્છના પ્રવાસન, વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ માટે દેશના મુખ્ય આર્થિક તથા પ્રવાસન કેન્દ્રો સુધી ઓછા સમયમાં પહોંચવું સરળ બનશે.મુંદરા એરપોર્ટને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર 1,900 મીટર લાંબો રનવે તૈયાર કરવામાં આવ્યો છે, જે મધ્યમ કદના પેસેન્જર વિમાનો તેમજ કાર્ગો ફ્લાઇટ્સના સરળ સંચાલન માટે સક્ષમ છે. ઉપરાંત ટર્મિનલ બિલ્ડિંગમાં વિશાળ પાર્કિંગ, મલ્ટીપલ ચેક-ઇન કાઉન્ટર્સ, આધુનિક લાઉન્જ અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરો માટે વ્હીલચેર સહાય તેમજ અલગ ડ્રોપ-ઓફ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતના સૌથી મોટા ખાનગી બંદર એવા મુંદરા અદાણી પોર્ટ અને આસપાસ આવેલા વિશાળ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માટે આ સીધી ફ્લાઇટ સેવા મહત્વપૂર્ણ સાબિત થશે. દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગકારો માટે મુંદરા સુધીની મુસાફરી વધુ સરળ બનતા ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળવાની સંભાવના છે.પ્રથમ જ દિવસે મુંબઈથી મુંદરા આવતી ફ્લાઇટ સંપૂર્ણપણે ભરેલી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે અગાઉ ફ્લાઇટ માટે ભુજ અથવા કંડલા એરપોર્ટ સુધી જવું પડતું હતું, જ્યારે હવે મુંદરા, માંડવી અને ગાંધીધામ સહિતના વિસ્તારોના લોકોને નજીકથી હવાઈ સેવા ઉપલબ્ધ બનશે. આ સુવિધાના કારણે રોજગારીની નવી તકો ઊભી થવા ઉપરાંત વેપાર-ધંધાને પણ સીધો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





