ફોરેસ્ટ કર્મચારી પર હુમલાનો કેસ : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, સભ્યપદ પર સંકટ

રાજપીપળા સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને વન વિભાગના કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સખત કેદ અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ નહીં ભરાય તો તેમને વધુ ત્રણ મહિનાની જેલની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત અન્ય 6 આરોપીઓને પણ 7-7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, કોઈપણ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની જેલની સજા થાય તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ શકે છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતાં હવે તેમના ધારાસભ્ય પદ પર સંકટ ઊભું થયું છે. જો કે, તેઓ હાઈકોર્ટમાં સજા અને દોષિત ઠરાવવાના આદેશ પર સ્ટે મેળવવાનો પ્રયાસ કરી શકે છે.

શું હતો સમગ્ર મામલો? : આ કેસ નવેમ્બર 2023માં નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં જંગલની જમીન પર સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવતા ખેતીકામને વન વિભાગે ગેરકાયદેસર ગણાવી કાર્યવાહી શરૂ કરી હતી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા.ફરિયાદ મુજબ, બેઠક દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા વન કર્મચારીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમની પાસેથી ખંડણી માંગવાનો તથા તેમને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.વન વિભાગની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા, તેમના પત્ની શંકુતલાબેન, તેમના પીએ જીતેન્દ્ર તેમજ અન્ય આરોપીઓ સામે રાયોટિંગ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઊભો કરવો, જાનથી મારી નાખવાની ધમકી આપવી, ખંડણી માંગવી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે શું નોંધ્યું? : રાજ્ય સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરે કોર્ટમાં દલીલ કરી હતી કે સાક્ષીઓના નિવેદનો, દસ્તાવેજી પુરાવા, કોલ ડિટેલ રેકોર્ડ (CDR) અને બેંક સ્ટેટમેન્ટ્સ આરોપીઓની સંડોવણી સ્પષ્ટ કરે છે. સરકારી પક્ષે ચૈતર વસાવા સામે અગાઉ નોંધાયેલી ફરિયાદોનો પણ ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે કાયદાથી ઉપર કોઈ નથી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે કાયદાનું પાલન કરવું તેમની ફરજ છે.

બીજી તરફ બચાવ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ. કે. જોશી સહિતના વકીલોએ દલીલો રજૂ કરી હતી. જોકે, કોર્ટે સરકારી પક્ષના પુરાવા અને દલીલોને માન્ય રાખી ધારાસભ્ય સહિતના આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.ચૈતર વસાવા માટે હવે સૌથી મહત્વનો કાનૂની વિકલ્પ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાનો છે. જો હાઈકોર્ટ તેમના દોષિત ઠરાવવાના આદેશ અથવા સજા પર સ્ટે આપે તો તેમના ધારાસભ્ય પદ અંગેની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. અન્યથા, લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ અનુસાર તેમનું સભ્યપદ રદ થવાની પ્રક્રિયા આગળ વધી શકે છે.

error: Content is protected !!