સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, દમણથી એક ભારત બેન્ઝ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે પલસાણાના અમલસાડી ગામ પાસે વોચ ગોઠવીને ટેમ્પોને અટકાવ્યો હતો. તપાસ કરતા ટેમ્પોમાં પી.વી.સી પાઇપોની પાછળ છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.આ મામલે દારૂનો જથ્થો અને ટેમ્પો સહિત કુલ રૂપિયા ૨૪,૯૭,૬૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી સુનિલભાઇ કમલેશભાઇ બિશ્નોઇ (ઉ.વ.૩૩, ડ્રાયવર-રહે.રાજસ્થાન) અને વિશાલ મનસુખભાઇ સાસકીયા (ઉ.વ.૧૯, ક્લીનર-રહે. સુરેન્દ્રનગર)ની અટકાયત કરવામાં આવી છે.જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર ભરતભાઈ (રહે. રાજકોટ) અને હશીમભાઈ નામના વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં પલસાણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.





