વ્યારાની અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો: ચઢવાણ મહિલા હત્યા કેસમાં પુરાવાના અભાવે આરોપી નિર્દોષ મુક્ત

ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામે વર્ષ 2025 દરમિયાન બનેલા ચકચારી મહિલા હત્યા અને લૂંટના કેસમાં તાપી જિલ્લા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ રજૂ કરાયેલા વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ ગુનો સાબિત કરવા માટે પૂરતા નથી. પરિણામે આરોપી અનેશભાઈ કાથાભાઈ વસાવા (ઉ.વ. 42)ને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 21 અને 22 ફેબ્રુઆરી 2025ની રાત્રિ દરમિયાન ચઢવાણ ગામના નીચલા ફળીયામાં રહેતા સુમિત્રાબેન ઉમેશભાઈ વસાવાનું તેમના નવા મકાનમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. પોલીસ તપાસ દરમિયાન આરોપ મૂકાયો હતો કે આરોપીએ મહિલાની હત્યા કરીને તેમના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ મામલે મૃતકના પુત્ર હર્ષદભાઈ વસાવાની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને 309 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલ એમ.ડી. વળવીએ પોલીસ તપાસમાં રહેલી ખામીઓ તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે ઘટનાસ્થળેથી મળેલા વપરાયેલા કોન્ડોમના ડી.એન.એ. નમૂનાઓ આરોપીના ડી.એન.એ. સાથે મેળ ખાતા નથી. ઉપરાંત, મૃતક પાસેથી લૂંટાયેલા હોવાનું કહેવાતા દાગીના પણ આરોપી પાસેથી મળી આવ્યા ન હતા.કોર્ટ સમક્ષ એ પણ રજૂ થયું હતું કે પોલીસ દ્વારા ઝવેરીના રજિસ્ટરના આધારે કરવામાં આવેલ દાગીના ગીરો મૂકવાના દાવાનો સંબંધ મહિલાના મૃત્યુ પૂર્વેના સામાન્ય વ્યવહાર સાથે હતો અને તેમાંથી આરોપી વિરુદ્ધ કોઈ સીધી કડી સ્થાપિત થતી નથી.

મહેબાન તાપી જિલ્લા સેશન્સ જજ ટી.આર. દેસાઈએ પોતાના ચુકાદામાં નોંધ્યું કે પોસ્ટમોર્ટમ અને મેડિકલ પુરાવા પરથી મહિલાનું મૃત્યુ ગળું દબાવવાના કારણે થયેલું અકુદરતી મોત હોવાનું સ્પષ્ટ થાય છે. જોકે, આ ગુનો આરોપીએ જ કર્યો હોવાનું શંકાથી પર સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યું છે. સર્વોચ્ચ અદાલતના સ્થાપિત સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતાં કોર્ટે જણાવ્યું કે સાંયોગિક પુરાવા આધારિત કેસોમાં દરેક કડી મજબૂત અને એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી હોવી આવશ્યક છે. વર્તમાન કેસમાં આવી કડીઓ પૂર્ણપણે સ્થાપિત થઈ શકી ન હોવાથી માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિને દોષિત ઠેરવી શકાય નહીં. આથી કોર્ટે આરોપી અનેશભાઈ કાથાભાઈ વસાવાને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કેસમાં ફરિયાદ પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ આર.બી. ચૌહાણે પેરવી કરી હતી.

error: Content is protected !!