સાપુતારા: સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો ડાંગ જિલ્લામાં સામે આવ્યો છે. સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આહવા તાલુકાના વિહિરઆંબા ગામના ૪૬ વર્ષીય મહિલા જસુબેન ગંગારામભાઈ સહારે સાથે ફેસબુક ફ્રેન્ડે વિદેશથી ગિફ્ટ પાર્સલ મોકલવાના બહાને રૂ.૫૦,૦૦૦ની સાયબર છેતરપિંડી આચરી છે.
મળતી માહિતી મુજબ, આશરે ત્રણેક મહિના પહેલાં ભોગ બનનાર મહિલાની ફેસબુક પર ‘આર્યન’ નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. ગત માર્ચ મહિનામાં આર્યને વિદેશથી સોનાના દાગીના અને કપડાં ભરેલું પાર્સલ ગિફ્ટ તરીકે મોકલવાની લાલચ આપી હતી. ત્યારબાદ અન્ય એક અજાણ્યા નંબરેથી મહિલાને ફોન આવ્યો હતો કે તમારું પાર્સલ યુ.કે.થી આવેલ છે અને તેના ટ્રાન્સપોર્ટ ચાર્જ પેટે રૂ.૧૫,૦૦૦ ચૂકવવા પડશે. ભોગ બનનારે વિશ્વાસ રાખીને ઓનલાઇન UPI સ્કેનર દ્વારા રૂ.૧૫,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા.
ત્યારબાદ સાયબર ગઠિયાઓએ ફરીથી ફોન કરી લાલચ આપી હતી કે પાર્સલની સાથે ૫૦૦૦ પાઉન્ડ (ભારતીય ચલણ મુજબ આશરે રૂ.૬.૧૪ લાખ) રોકડા પણ મોકલેલા છે, જેને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરવા માટે વધુ રૂ.૩૫,૦૦૦ ચાર્જ લાગશે. મહિલાએ લાલચમાં આવીને તે રકમ પણ ઓનલાઇન ચૂકવી દીધી હતી. આમ, કુલ રૂ.૫૦,૦૦૦ પડાવી લીધા બાદ ગઠિયાઓએ કસ્ટમ ચાર્જના નામે વધુ રૂ.૯૩,૦૦૦ની માંગણી કરતાં મહિલાને પોતાની સાથે ફ્રોડ થયું હોવાનો અહેસાસ થયો હતો.મહીલાએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ઓનલાઇન અરજી કરી હતી. હાલમાં સાપુતારા પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ અજાણ્યા ફોન નંબર અને UPI ID ધારકો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





