ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાનો છે. હાલ રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ એમ ત્રણ મજબૂત હવામાન પ્રણાલીઓ એકસાથે અસર કરી રહી છે. તેના કારણે 2 અને 3 જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના જણાવ્યા મુજબ આજે બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન તાપી જિલ્લાના વાલોડમાં સૌથી વધુ 1.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
તાપી જિલ્લાના વાલોડ ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડામાં 0.59 ઇંચ, પારડીમાં 0.55 ઇંચ, નાનાપોંઢામાં 0.51 ઇંચ, વલસાડમાં 0.28 ઇંચ, ઉમરગામમાં 0.24 ઇંચ, સુરત જિલ્લાના અંબિકામાં 0.08 ઇંચ અને તાપીના ડોલવણમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને સુરત, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે નવસારી, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ સારો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ગરમી અને બફારાનો પણ અનુભવ થઈ રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ વધતાં લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.દરમિયાન, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે 29 જૂનથી 3 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી દરિયો તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે.જખૌ, માંડવી, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા, પોરબંદર, મૂળ દ્વારકા, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિકટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ સહિતના બંદરોના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.





