રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તોફાની હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવન અને ઊંચા મોજાંને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને 29 જૂનથી 3 જુલાઈ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા બુલેટિન મુજબ, વાતાવરણમાં સર્જાયેલા તીવ્ર દબાણની અસરને કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ દરમિયાન દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.આ ચેતવણી હેઠળ જખૌ, માંડવી (કચ્છ), ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા, પોરબંદર, મૂળ દ્વારકા, દીવ, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, વિકટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે.
દરમિયાન, INCOIS (Indian National Centre for Ocean Information Services) દ્વારા પણ ઊંચા મોજાં અંગે વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આજે 1.5થી 1.6 મીટર સુધી ઊંચા મોજાં ઉછળી શકે છે. જ્યારે ભાવનગરના દરિયાકાંઠે આવતીકાલે વહેલી સવારે 5:30 વાગ્યા સુધી 1થી 1.1 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.પ્રશાસને માછીમારો ઉપરાંત દરિયાકાંઠે નૌકાવિહાર કરનારાઓ અને પ્રવાસીઓને પણ ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. તોફાની દરિયાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ દરમિયાન દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર ટાળવાની સલાહ આપવામાં આવી છે.





