અયોધ્યાના રામમંદિર દાનમાં કથિત ગેરરીતિના કેસમાં એસઆઈટીનો અહેવાલ આવ્યા બાદ નોંધાયેલી એફઆઈઆર પછી પોલીસે તપાસ વધુ તેજ કરી છે. તપાસના ભાગરૂપે અનિલ મિશ્રા, ગોપાલ રાવ સહિત 80થી વધુ લોકોને નોટિસ પાઠવી તપાસમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.તપાસ આગળ વધતાં નવા તથ્યો સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક આરોપીઓએ પોતાના મોબાઇલ ફોનમાંથી મહત્વપૂર્ણ ચેટ્સ અને ડેટા ડિલીટ કરી દીધા છે. હવે આ મોબાઇલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે, જ્યાં ડિલીટ કરાયેલા ડેટા અને ચેટ્સને રિકવર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ કેસમાં નાણાકીય વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનરા બેંક સહિત છ બેંકોને નોટિસ પાઠવી આરોપીઓ, ટ્રસ્ટ તેમજ અન્ય સંબંધિત વ્યક્તિઓના બેંક ખાતા અને લોકરો અંગે માહિતી માંગી છે. દાનની કથિત ગેરરીતિની રકમનો પત્તો મેળવવા માટે બેન્કિંગ ટ્રેલ, નાણાકીય લેવડદેવડ અને ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.આ દરમિયાન પોલીસે રામમંદિર ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાયનું નિવેદન પણ નોંધ્યું હોવાનું જાણવા મળ્યું છે. તપાસની જરૂરિયાત મુજબ અનિલ મિશ્રા અને ટ્રસ્ટના અન્ય પદાધિકારીઓના નિવેદનો પણ નોંધવામાં આવશે. નોંધનીય છે કે ચંપત રાયે તાજેતરમાં ટ્રસ્ટના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિર ટ્રસ્ટને દાનમાં કથિત ગેરરીતિ અંગે અગાઉથી જાણ હતી અને ઔપચારિક ફરિયાદ નોંધાય તે પહેલાં જ પ્રાથમિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 5 જૂનના રોજ ચંપત રાયની સૂચના બાદ ટ્રસ્ટના પ્રતિનિધિઓ પોલીસ ટીમ સાથે આરોપી અવિનાશ શુક્લાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તે જ દિવસે પોલીસે દરોડો પાડી અવિનાશ શુક્લાની અટકાયત કરી હતી અને તેના કબજામાંથી રોકડ રકમ જપ્ત કરી હતી.તપાસ એજન્સીઓ હવે ડિજિટલ અને નાણાકીય પુરાવાના આધારે સમગ્ર કથિત દાન ગેરરીતિના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.





