સુરત: કડોદરા GIDC પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં ગત ૨૯ જૂનના રોજ એક અજાણ્યા યુવકની માથામાં તીક્ષ્ણ વસ્તુ મારીને કરાયેલી હત્યાનો ભેદ સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે માત્ર મૃતકની ઓળખ જ નથી કરી, પરંતુ હત્યા કરનાર આરોપીને પણ દબોચી લીધો છે.
અંત્રોલી ગામની સીમમાંથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના એક અજાણ્યા પુરુષની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી, જેના જમણા હાથ પર ‘RAMESH’ અને ‘રમેશ નોશી’ નામનું ટેટૂ હતું. પીએમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને કડોદરા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે સૌપ્રથમ મૃતકની ઓળખ રમેશ ચમનલાલ જોષી (ઉં.વ.૨૨, મૂળ રહે. ઉદયપુર, રાજસ્થાન) તરીકે કરી હતી.ત્યારબાદ બાતમીદારો અને ટેકનિકલ તપાસના આધારે કડોદરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભૌતિકભાઈએ એક શંકાસ્પદ ઈસમને શોધી કાઢ્યો હતો, જેની કડક પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબૂલાત કરી હતી.
પકડાયેલા આરોપીનું નામ રોશનકુમાર અનિલ મિશ્રા (ઉં.વ.૨૭, રહે. વૈશાલી, બિહાર) છે, જે એક ટ્રાન્સપોર્ટ કન્ટેનર પર ક્લીનતરીકે કામ કરે છે. ગત ૨૭ જૂનના રોજ વરેલી ખાતે માલ ભરવા માટે આવેલો રોશનકુમાર સાંજે ફરવા નીકળ્યો ત્યારે રસ્તા પર રમેશ જોષી ગાળો બોલતો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા રોશનકુમારે રમેશને માથામાં પથ્થરોના ઘા ઝીંકીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.





