કડોદરા: સુરત ગ્રામ્ય એલ.સી.બી.પોલીસની ટીમે બાતમીના આધારે પલસાણા તાલુકાના તાંતીથૈયા વિસ્તારમાં આવેલ સોનીપાર્ક સબ્જી મંડીના શેડમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવક અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર (બાળ કિશોર)ને ઝડપી પાડ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.સી. મસાણીની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે સોનીપાર્ક પાસે બે ઇસમો એક્ટિવા મોપેડ પર ગેરકાયદેસર દેશી તમંચો (કટ્ટો) વેચવાની ફિરાકમાં ઊભા છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને કરણ વિનોદ હરીઓમ શર્મા (ઉં.વ.૨૨, રહે. તાંતીથૈયા, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) અને તેની સાથેનો એક સગીરને ઝડપી પાડ્યો હતો.આ મામલે પોલીસે પોલીસે રૂ.૧૦,૦૦૦ની કિંમતનો ૧ નંગ દેશી હાથ બનાવટનો તમંચો અને રૂ.૫૦,૦૦૦ની કિંમતનું એક્ટિવા મોપેડ મળી કુલ રૂ.૬૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પકડાયેલા બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમને કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે.





