ઉચ્છલ-નિઝર હાઈવે પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: એડવોકેટ સહિત બેને ઈજા

ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે નંબર 80 પર માણેકપોર ગામની સીમમાં એક માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રોંગ સાઈડમાંથી પુરઝડપે આવી રહેલા એક કન્ટેનરે સામેથી આવતી અલ્ટો કારને જોરદાર ટક્કર મારતાં કારમાં સવાર એડવોકેટ સહિત બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, સોનગઢથી એડવોકેટ નરેન્દ્રભાઈ શાંતારામભાઈ મહાજનને બેસાડીને કારચાલક ભરતભાઈ પટેલ અલ્ટો કાર લઈને નિઝર કોર્ટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન માણેકપોર ગામ નજીક સામેથી આવી રહેલા એક કન્ટેનરના નંબર MP-09-HJ-0171 ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી રોંગ સાઈડમાં લાવી કારને સામેથી અડફેટમાં લીધી હતી. આ જોરદાર અકસ્માતમાં અલ્ટો કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો.

અકસ્માતને કારણે કારચાલક ભરતભાઈને હાથના કાંડા પર સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે એડવોકેટ નરેન્દ્રભાઈ મહાજનને માથા તેમજ ખભાના ભાગે ગંભીર મૂઢમાર વાગ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઉચ્છલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના અંગે કારચાલકની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે કન્ટેનરચાલક તુલસીરામ બંશીલાલ રઘુવંશી (રહે. ઈન્દોર, મધ્ય પ્રદેશ) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!