ઉચ્છલમાં વહેમનો કરુણ અંજામ : પત્ની પર કુહાડીના ઘા ઝીંકી પતિએ ઝાડ પર ફાંસો ખાધો

ઉચ્છલ તાલુકાના એક ગામમાં આડાસંબંધના વહેમમાં એક અત્યંત દર્દનાક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. માત્ર શંકાના દાયરામાં આવીને એક ૬૦ વર્ષના પતિએ પોતાની જ પત્ની પર ધારદાર હથિયાર વડે ઉપરાછાપરી જીવલેણ હુમલો કરી દીધો અને ત્યારબાદ પોતે પણ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, ઉચ્છલ તાલુકાના એક ગામમાં પશુપાલનનો વ્યવસાય કરતું આ દંપતિ રહેતું હતું. ગત તા. ૩ ની રાત્રિ આ પરિવાર માટે કાળરાત્રિ સાબિત થઈ હતી. રોજ સવારે તબેલાની દેખરેખ રાખતી મહિલા તા. ૪-૭-૨૬ ના રોજ સાફસફાઈ કરતી જોવા ન મળતા પરિવારજનોને શંકા ગઈ હતી. જ્યારે તેઓ તબેલામાં તપાસ કરવા પહોંચ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહિલા તબેલામાં લોહીથી લથપથ હાલતમાં ખાટલા નીચે પડેલી મળી આવી હતી.

તપાસ દરમિયાન આખો ભયાનક મામલો બહાર આવ્યો હતો. ૬૦ વર્ષિય પતિ બચુભાઈએ આડાસંબંધના વહેમમાં આવીને પત્ની પર કોઈ ધારદાર હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. નરાધમ પતિએ પત્નીના ડાબા ગાલ ઉપર એક ઊંડો ઘા અને માથાના ભાગે બીજા ચારેક જેટલા ઉપરાછાપરી ઘા ઝીંકી તેને નિર્મમતાથી પતાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી પત્નીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પત્નીને મરણતોલ ફટકાર્યા બાદ અને તે મરી ગઈ છે તેમ સમજીને પતિ બચુભાઈ પણ ભારે ગભરાટમાં આવી ગયા હતા. આ ઘાતકી ગુનો કર્યા બાદ તેઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા અને નજીકમાં એક ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. ગામલોકોને બચુભાઈની લાશ ઝાડ પર લટકતી મળતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ લોહીયાળ ખેલ અંગે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!