ભારે વરસાદની અસર: કચ્છ-મુંબઈ રેલ વ્યવહાર હજુ ખોરવાયો

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સુરત પંથકમાં વરસી રહેલા ભારે વરસાદની અસર કચ્છ-મુંબઈ વચ્ચેના રેલ વ્યવહાર પર હજુ યથાવત્ જોવા મળી રહી છે. સતત ચોથા દિવસે પણ ટ્રેનોના સમયપત્રકમાં ભારે વિક્ષેપ સર્જાતા મુંબઈથી ભુજ આવતી એક મહત્વપૂર્ણ ટ્રેન રદ કરવામાં આવી છે. જોકે, રાહતની બાબત એ છે કે ભુજથી મુંબઈ જતી બંને મુખ્ય ટ્રેનો આજે નિયત સમય મુજબ રવાના થઈ હતી.

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સુરત વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈથી કચ્છ આવતી કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ અને બાંદ્રા-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ લાંબા સમય સુધી માર્ગમાં અટવાઈ રહી હતી. પરિણામે બુધવારે આ ટ્રેનો ભારે વિલંબ સાથે ભુજ પહોંચી હતી.આ અગાઉ મંગળવારે સયાજીનગરી એક્સપ્રેસને ગાંધીધામ સુધી જ દોડાવી આંશિક રદ કરવામાં આવી હતી. જ્યારે બુધવારે ભુજથી ઉપડતી અપ કચ્છ એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી હતી.

ખોરવાયેલા સમયપત્રકને કારણે ટ્રેનના પેરીંગ રેક (ખાલી ડબ્બાઓનો સમૂહ) સમયસર મુંબઈ પરત પહોંચી શક્યા ન હોવાથી આજે બાંદ્રા ટર્મિનસથી ભુજ આવતી ડાઉન કચ્છ એક્સપ્રેસ (ટ્રેન નંબર 22955)ને સંપૂર્ણપણે રદ જાહેર કરવામાં આવી છે.સતત ચોથા દિવસે ટ્રેનોના વિલંબ અને રદ થવાની સ્થિતિને કારણે સેંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. મુસાફરોના પૂર્વનિયોજિત પ્રવાસ કાર્યક્રમો ખોરવાઈ ગયા છે અને અનેક લોકોને વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે. રેલવે તંત્ર દ્વારા પરિસ્થિતિ સામાન્ય થતાં જ રેલ વ્યવહાર પૂર્વવત્ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!