દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર બે તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જોકે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વિરામ ટૂંકા ગાળાનો છે અને જુલાઈના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં ફરી વરસાદનો સશક્ત રાઉન્ડ સક્રિય થઈ શકે છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 17 જુલાઈ સુધી વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે.તેમણે વધુમાં જણાવ્યું કે 27થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત, ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા નીરની આવક વધશે તેમજ તાપી સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ હાલની વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી ગઈ હોવાથી ભારે વરસાદની સંભાવના ઘટી છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદના પ્રથમ રાઉન્ડ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. જોકે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ખૂબ ઓછો વરસાદ પડતાં હજુ પણ ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 15 જુલાઈ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ભેજના કારણે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જુલાઈ પછી પાંચેક દિવસ હળવો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે 25થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વ્યાપક અને ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડમાં અત્યાર સુધી ઓછો વરસાદ મેળવનારા જિલ્લાઓને પણ સારો વરસાદ મળી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ 13 જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ આશરે 25 ટકા વરસાદ નોંધાયો છે. તેમ છતાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની મોટી ખાધ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો માત્ર 0.92 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં 1.92 ટકા, બનાસકાંઠામાં 7.75 ટકા, જામનગરમાં 9 ટકા અને મોરબીમાં 9.57 ટકા વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં હજુ પણ ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.





