ચોમાસાની ઋતુ શરૂ થતાં રાજ્યભરમાં વૃક્ષારોપણનો ઉત્સાહ જોવા મળે છે. પોતાના ઘર, વાડા, ખેતર કે અન્ય સ્થળે વૃક્ષો અને છોડ વાવવા ઇચ્છુક નાગરિકોને હવે નજીકની ગુજરાત વન વિભાગની સરકારી નર્સરી શોધવામાં મુશ્કેલી નહીં પડે. ગુજરાત વન વિભાગે આ માટે એક સરળ અને ઉપયોગી ડિજિટલ સુવિધા શરૂ કરી છે.
નાગરિકોએ માત્ર 8320002000 નંબર પર કોલ કરવો રહેશે. કોલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને ત્યારબાદ મોબાઇલ પર એક લિંક સાથેનો SMS પ્રાપ્ત થશે. આ લિંક ખોલતા નજીકની સામાજિક વનીકરણ વિભાગની સરકારી નર્સરીનું સરનામું, સંપર્ક નંબર, Google Maps પરનું લોકેશન તેમજ સંબંધિત વન અધિકારીઓના મોબાઇલ નંબર જેવી મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મળી જશે.આ ઉપરાંત, જો 8320002000 નંબર પર “Hi” લખીને SMS અથવા WhatsApp સંદેશ મોકલવામાં આવે તો પણ વેબ લિંક ધરાવતો SMS પ્રાપ્ત થશે. આ લિંક ખોલતાં એક મેનૂ ઉપલબ્ધ થશે, જેમાં ગુજરાતની તમામ વન વિભાગની નર્સરીઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરો (RFO), ઇકો-ટૂરિઝમ સ્થળો તેમજ વન વિભાગની વિવિધ સેવાઓ અંગેની માહિતી મેળવી શકાશે.
વન નર્સરીમાંથી રોપાઓ કેવી રીતે મેળવશો? : બજારમાં છોડના રોપાઓની કિંમત ઘણીવાર વધુ હોય છે, જ્યારે વન વિભાગની નર્સરીઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ ખૂબ જ નજીવી કિંમતે ઉપલબ્ધ થાય છે. રોપાના કદ મુજબ આશરે રૂ. 5થી રૂ. 15 સુધીની કિંમતે રોપાઓ ખરીદી શકાય છે.રાજ્યભરમાં વન વિભાગની કુલ 453 સરકારી નર્સરીઓ કાર્યરત છે. ઉપરાંત, 15×25 સેન્ટિમીટર અથવા 10×20 સેન્ટિમીટર કદની પોલીબેગમાં ઉછેરાયેલા કેટલાક રોપાઓનું મફત વિતરણ પણ કરવામાં આવે છે.ચોમાસાની ઋતુમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને લોકો સરળતાથી ગુણવત્તાયુક્ત રોપાઓ મેળવી શકે તે હેતુથી વન વિભાગની આ પહેલને ઉપયોગી માનવામાં આવી રહી છે.





