ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કુતરાના કરડવાના બનાવોને લઈને વધી રહેલી ચિંતાના પગલે અને સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ શ્વાન અને બિલાડીના માલિકો માટે મહત્વપૂર્ણ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.
AMCના સી.એન.સી.ડી. વિભાગે જાહેર કરેલી સૂચના અનુસાર, સુપ્રીમ કોર્ટના નિર્દેશો, એનિમલ વેલ્ફેર બોર્ડની માર્ગદર્શિકા તેમજ ‘રેબીઝ ફ્રી અમદાવાદ સિટી’ અભિયાનના ભાગરૂપે શહેરમાં રાખવામાં આવતા તમામ પાલતુ શ્વાન અને બિલાડીઓનું 30 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
કોર્પોરેશને શ્વાન માટે રૂ. 1,000 અને બિલાડી માટે રૂ. 200 રજીસ્ટ્રેશન ફી નક્કી કરી છે.પાલતુ પ્રાણીના માલિકોએ AMCની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. નોંધણી દરમિયાન અરજદારે આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર, ટેક્સ બિલ, વીજળી બિલ તેમજ અરજદાર, પાલતુ પ્રાણી અને તેને રાખવામાં આવતા સ્થળના ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે અપલોડ કરવાના રહેશે.AMCએ શહેરના તમામ પેટ પેરેન્ટ્સને નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી છે, જેથી પાલતુ પ્રાણીઓનું સુવ્યવસ્થિત રેકોર્ડ તૈયાર થઈ શકે અને રેબીઝ નિયંત્રણ સહિત જાહેર આરોગ્ય અને સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય.





