સોનગઢમાં પ્રોહિબિશન અને જુગારની બદ્દીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ હાલ એક્શન મોડમાં છે. આવી જ એક ખાસ ડ્રાઇવ દરમિયાન સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે, હાથી ફળિયામાં મહેશભાઇ ઉર્ફે ડેબો નામના ભાઈ પોતાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જાહેર જગ્યામાં પત્તાપ્રેમીઓ માટે હાર-જીતનો જુગાર રમાડી રહ્યા છે.
બાતમી મળતાં જ પોલીસે ફિલ્મી ઢબે આયોજનપૂર્વક રેડ પાડી અને જુગારના કુંડાળાને કોર્ડન કરી લીધું. પોલીસને અચાનક સામે જોઈને જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થળ પરથી પોલીસે મહેશભાઇ ઉર્ફે ડેબો છનાભાઇ ગામીત (ઉં.વ. ૬૩), દક્ષેશભાઇ કાંતિલાલ સોલંકી (ઉં.વ.૨૭), વિમલભાઇ ઉર્ફે પૈંગો દિલિપભાઇ ચૌધરી (ઉં.વ.૩૮), હસનૌદભાઇ ગંગરામભાઈ શિરસાટ (ઉં.વ.૪૮), અને મહેન્દ્રભાઇ ગણપતભાઈ કોંકણી (ઉં.વ.૫૦) એમ કુલ પાંચ ઇસમોને ગંજીપાના વડે જુગાર રમતા રંગેહાથ પકડી પાડ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી જુગારના ૫૨ પાના તેમજ દાવ પરના અને અંગઝડતીના મળીને કુલ રૂ.૬૫૦/- નો રોકડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલમાં આ તમામ પત્તાપ્રેમીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ યોગેશકુમાર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





