Latest News: દૂધના ટેમ્પોમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ સાપુતારા ચેકપોસ્ટ પરથી ઝડપાયો

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે દૂધના કેરેટોની આડમાં લઈ જવાતો ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

ફાઇલ ફોટો

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં આવી રહેલા એક બંધ બોડીના આઈસર ટેમ્પોને સાપુતારા ચેકપોસ્ટ પાસે રોકીને તપાસ કરવામાં આવી હતી. આ ટેમ્પોમાં દૂધ, છાશ અને દહીંના પ્લાસ્ટિકના કેરેટો રાખેલા હતા, જેની વચ્ચે છુપાવીને રાખેલી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૪ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ.૪૪,૭૫૦/- અંકાયા છે.

પોલીસે ઘટનાસ્થળેથી ટેમ્પો ચાલક અશોકભાઈ લક્ષ્મણભાઈ ડેંગલે (રહે. અહેમદનગર, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના વની ખાતે આવેલી એક વાઈન શોપમાંથી ભરી આપવામાં આવ્યો હતો અને તે બારડોલી (ગુજરાત) ખાતે એક વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે રૂ. ૪૪,૭૫૦/- નો દારૂ, રૂ. ૪,૦૦,૦૦૦/- ની કિંમતનો આઈસર ટેમ્પો અને રૂ.૩,૦૦૦/- નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪,૪૭,૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં દારૂ ભરી આપનાર વાઈન શોપના સંચાલક અને બારડોલીના દારૂ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!