મોંઘીદાટ બાઇક પર સવાર થઈને ફુલ ગુમાનમાં ફરતા કેટલાક યુવકો જાણે કાયદાને ખિસ્સામાં લઈને ફરે છે, પણ સોનગઢ પોલીસની નાકાબંધી આગળ આવા ‘શૉખીનો’નું શૂર ઓગળી ગયું છે.

સોનગઢના ઓટા બ્રિજ નીચે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ૨૨ વર્ષના યુવકને રોકીને તપાસ કરતા જે દ્રશ્ય સામે આવ્યું તે હાસ્યાસ્પદ પણ હતું અને શરમજનક પણ!ભપકાદાર KTM ડ્યુક બાઇક પર સવાર ગુણસદા ગામના મિહિર અંકુરભાઈ ગામીત નામના ૨૨ વર્ષીય યુવક પાસેથી પોલીસે માત્ર રૂ.૪૨૫ ની કિંમતની મેકડોલ્સ નો.૧ વિસ્કીની ૫ નાની બાટલીઓ જપ્ત કરી છે! પેટ્રોલની ટાંકી પર કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં દારૂ છુપાવીને હેરાફેરી કરતા આ ‘રાજાપાઠ’ છાપ યુવકની હોશિયારી પોલીસ સામે ધૂળધાણી થઈ ગઈ હતી.
દમણ બનાવટનો આ દારૂ વગર પાસ-પરમિટ વહન કરવા બદલ પોલીસે કુલ રૂ.૩૦,૪૨૫ નો મુદ્દામાલ જપ્ત કરી મિહિર ગામીત સામે ગુનો નોંધીને જેલભેગો કરી દીધો છે. મોંઘી બાઇકના શોખ ધરાવતા યુવાનો માત્ર થોડા રૂપિયાના દારૂ માટે પોતાની કારકિર્દી અને ઈજ્જત કેવી રીતે દાવ પર લગાવી દે છે, આ કિસ્સો તેનો ઉત્તમ પુરાવો છે.





