ફેસબુક પર ફ્રી મુવી ડાઉનલોડ કરવાની લાલચ ભારે પડી: ડાંગના યુવકનો મોબાઈલ હેક કરી રૂ.૫૫,૫૦૦ની સાયબર ઠગાઈ

સોશિયલ મીડિયા પર લાલચ આપતી જાહેરાતો અને અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો તાજો કિસ્સો ડાંગ જિલ્લામાં સામે આવ્યો છે. વઘઈ તાલુકાના લવાર્યા ગામના અને કોલેજમાં અભ્યાસ કરતા નિશીકાંત ગાવિત નામના ૨૫ વર્ષીય વિદ્યાર્થી સાથે રૂ.૫૫,૫૦૦ની સાયબર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વઘઈ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ગત ૭ જુલાઈના રોજ યુવક વઘઈ ખાતે હતો ત્યારે ફેસબુક પર ફ્રી મુવીઝ ડાઉનલોડ કરવાની એક આકર્ષક જાહેરાત આવી હતી.આ જાહેરાત પર ક્લિક કરી યુવકે ‘ReBBitX Movies’ નામની APK ફાઇલ ડાઉનલોડ કરી હતી. ફાઇલ ડાઉનલોડ થતાં જ યુવકનો ફોન આપોઆપ અપડેટ થવા લાગ્યો હતો અને બે વાર રીસ્ટાર્ટ થઈને હેક થઈ ગયો હતો. હેકર્સે યુવકના મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ (એક્સેસ) પોતાના હાથમાં લઈ લીધો હતો.ત્યારબાદ હેકર્સે યુવકના બેંક ઓફ બરોડાના ખાતામાંથી તેની જાણ બહાર રૂ.૫૫,૫૦૦ પંજાબ નેશનલ બેંકના એક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

બનાવ અંગે યુવકે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. નાણાં પરત ન મળતાં આખરે યુવકે વઘઈ પોલીસ મથકે પહોંચી અજાણ્યા ગુનેગાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!