અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે જન્મજાત અન્નનળી ન હોવાની ગંભીર ખામી (પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા) ધરાવતા અઢી વર્ષના બાળક પર સફળતાપૂર્વક જટિલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરીને તેને પ્રથમ વખત મોઢેથી ખોરાક લેતો બનાવ્યો છે.
સાણંદના મંતવ્ય પટેલનો જન્મ આ દુર્લભ ખામી સાથે થયો હતો. જન્મ બાદ પ્રાથમિક સર્જરી દ્વારા ટ્યુબ મારફતે ખોરાક આપવામાં આવતો હતો. બાળકનો વિકાસ સંતોષકારક થતાં ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ અમદાવાદ સિવિલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીની આગેવાની હેઠળ નિષ્ણાત ટીમે અન્નનળીનું પુનઃનિર્માણ કરતી જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.સર્જરીના ૨૩ દિવસ બાદ બાળકે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું અને હાલમાં તે સંપૂર્ણ સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ થતી આ અદ્યતન સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં બાળ સર્જરી વિભાગે આવા ૭ જટિલ કેસોમાં સફળતા મેળવી છે.





