નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સંસદમાં ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સુધારા) બિલ, 2027’ રજૂ કર્યું છે. બિલને લઈને એવી ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યમાં રૂ.2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થઈ શકે છે. જોકે, આ ચાર્જ સામાન્ય ગ્રાહકો પર નહીં પરંતુ વેપારીઓ પર લાગુ થવાની સંભાવના છે. તેથી ગ્રાહકોને UPI દ્વારા ચુકવણી કરતી વખતે સીધો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે MDR અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી અને સરકાર તથા આરબીઆઈનો મુખ્ય ભાર UPIના વ્યાપને વધુ મજબૂત બનાવવા પર છે.
દરમિયાન, એક સરવે મુજબ જો મોટા વેપારીઓ પર MDR લાગુ થશે તો 53 ટકા કરતાં વધુ લોકો રૂ.3,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન ઘટાડવાનો વિચાર કરી શકે છે. પ્રસ્તાવિત સુધારા હેઠળ કયા ડિજિટલ પેમેન્ટ પર MDR લાગુ કરવો કે મુક્તિ આપવી તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.





