બ્રિટન (UK) માં વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા ‘માઉન્જારો’ અને ‘વેગોવી’ જેવા ઈન્જેક્શનને કારણે અત્યાર સુધીમાં ૨૧૬ લોકોના મોત થયા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, ૨૦૨૪ થી ૨૦૨૫ દરમિયાન આ ઈન્જેક્શનના કારણે થતા વાર્ષિક મૃત્યુઆંકમાં ૩૦૦ ટકાનો મોટો વધારો નોંધાયો છે, જે સંખ્યા ૨૨ થી વધીને ૯૪ પર પહોંચી ગઈ છે.
રિપોર્ટ મુજબ, ‘માઉન્જારો’માં રહેલું મુખ્ય ઘટક ‘ટિરઝેપટાઈડ’ લેનારા લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ૨૦૧૦ પછીના આંકડા જોઈએ તો, આ પ્રકારની દવાઓથી આશરે ૧,૫૦,૦૦૦ લોકોને પ્રતિકૂળ આડઅસર (રિએક્શન) થઈ છે, જેમાં ૧૮,૦૦૦ કેસ ખૂબ જ ગંભીર કે જીવલેણ સાબિત થયા હતા. મોટાભાગના દર્દીઓમાં પાચનતંત્રની સમસ્યાઓ, સ્વાદુપિંડમાં સોજો (પેનક્રિયાટાઈટિસ) અને પેટનો લકવો (ગેસ્ટ્રોપારેસિસ) જેવી તકલીફો જોવા મળી છે.
લંડનના એક કિસ્સામાં, ૭૩ વર્ષીય મહિલા કેરોલિન સેવેજે માઉન્જારોનો ડોઝ વધાર્યા બાદ જીવ ગુમાવ્યો હતો. તબીબી તપાસમાં સામે આવ્યું કે આ દવાને કારણે આંતરડામાં દબાણ વધવાથી તેમાં છિદ્ર (કાણાં) પડી ગયા હતા, જેનાથી પેટમાં ઈન્ફેક્શન (સેપ્સિસ) ફેલાઈ ગયું હતું.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ઈન્જેક્શન આંતરડાની ખોરાક પચાવવાની ક્ષમતા ઘટાડે છે, જેનાથી પેટમાં કચરો જમા થાય છે અને આંતરડાની સપાટી પર ભારે દબાણ ઉભું થાય છે. ગભરામણ થવી, ઊલટી થવી કે અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવો એ આના પ્રાથમિક લક્ષણો હોઈ શકે છે. તબીબોએ ચેતવણી આપી છે કે દર્દીઓ આ દવાની ગંભીર જટિલતાઓથી અજાણ હોય છે, તેથી તબીબી સલાહ વિના તેનો ઉપયોગ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.




