રાજ્યમાં બાળકો સામે થતા શારીરિક-માનસિક શોષણ, અત્યાચાર અને મારપીટના બનાવોને લઈને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગંભીરતા દાખવી છે. ગાંધીનગર ખાતે આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં POCSO Act અને Juvenile Justice (J.J.) Actના ભંગ બદલ જવાબદાર વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાના સંચાલકો અને ટ્રસ્ટીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, બાળકોના અધિકારોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.બાળકો સામેના અત્યાચારના કિસ્સાઓમાં આયોગ દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. જરૂરી જણાય ત્યાં આયોગ દ્વારા સુઓ-મોટો સંજ્ઞાન લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં આયોગના સચિવ ડી.ડી. કાપડિયા સહિત સભ્યો વર્ષાબેન પટેલ, અમૃતાબેન અખિયા અને કમલેશભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





