નવી દિલ્હી: પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં વધુ પડતી ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ અંગે પેકેટના આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIને કડક વલણ અપનાવ્યું છે.
જસ્ટિસ જે.બી. પારડીવાળા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે કહ્યું કે ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે અને તેમાં ખાંડ, મીઠું તથા ફેટનું પ્રમાણ કેટલું છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.કોર્ટે સરકારને અંતિમ નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સંતોષકારક નિર્ણય નહીં લેવાય તો કોર્ટ પોતે આ અંગે આદેશ જારી કરશે.
કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે નવા નિયમથી નમકીન સહિત અનેક પેકેજ્ડ ખાદ્ય પદાર્થો અસરગ્રસ્ત થઈ શકે છે અને નાના વેપારીઓ પર આર્થિક અસર પડી શકે છે. જોકે કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાસ કરીને બાળકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી છે.





