અમરાવતીની ‘ભૂતિયા હોસ્ટેલ’ની અફવા, 608 વિદ્યાર્થીઓએ ઘરનો રસ્તો પકડ્યો!

અમરાવતીઃ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલી એક સરકારી હોસ્ટેલ અચાનક ‘ભૂતિયા હોસ્ટેલ’ તરીકે ચર્ચામાં આવી ગઈ છે. રાત્રિના સમયે ઝાંઝર રણકવા, હસવા અને કોઈના રડવા જેવા અવાજો સંભળાતા હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ અફવા એવી ઝડપથી ફેલાઈ કે હોસ્ટેલમાં રહેતા 608 વિદ્યાર્થીઓએ ઘરનો રસ્તો પકડી લીધો.

ઝાંઝરનો અવાજ, હાસ્ય અને રડવાની વાતોથી ભયનો માહોલ; તંત્રએ કહ્યું—ભૂત નહીં, અફવા અને માનસિક તણાવનો મામલો!

મળતી માહિતી મુજબ, કેટલીક વિદ્યાર્થિનીઓએ રાત્રે અસામાન્ય અવાજો સંભળાતા હોવાની ફરિયાદ કરી હતી. એકની વાત બીજી સુધી અને ત્યારબાદ વિદ્યાર્થીઓ તથા વાલીઓ સુધી પહોંચતા વાતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. ધીમે ધીમે હોસ્ટેલમાં ‘ભૂત-પ્રેત’ હોવાની ચર્ચા શરૂ થઈ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો.પરિસ્થિતિ ગંભીર બનતા 263 વિદ્યાર્થીઓ અને 345 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 608 વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને પોતાના ઘરે પરત ફર્યા.હોસ્ટેલના હેડમાસ્ટર સંજય ચૌધરીએ જણાવ્યું કે ફરિયાદ કરનાર વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ લઈ જઈ તબીબી તપાસ કરાવવામાં આવી હતી. મનોરોગ નિષ્ણાત દ્વારા તપાસ બાદ કેટલાક લક્ષણો હિસ્ટેરિયા જેવી માનસિક સ્થિતિ સાથે સંકળાયેલા હોઈ શકે હોવાનું જણાવાયું છે.

હાલ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીને તેમનો ભય દૂર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.સ્થાનિક આરોગ્ય અધિકારી અભિષેક નાયડુએ પણ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ઘટનાને ભૂત-પ્રેત સાથે ન જોડવા અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ આ મામલો માનસિક તણાવ સાથે સંબંધિત હોઈ શકે છે અને ગભરાવાની જરૂર નથી.વિદ્યાર્થીઓના મનમાંથી ‘ભૂતિયા હોસ્ટેલ’નો ડર કાઢવા માટે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પણ આગળ આવી છે. કાઉન્સેલિંગ અને સમજાવટ દ્વારા વિદ્યાર્થીઓમાં ફરી આત્મવિશ્વાસ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.હાલ તંત્ર સામે સૌથી મોટો પડકાર એ છે કે હોસ્ટેલમાં ભૂત શોધવા કરતાં વિદ્યાર્થીઓના મનમાંથી ભૂતનો ડર કાઢવો! અફવા કરતાં હકીકત પર વિશ્વાસ રાખી વિદ્યાર્થીઓ ફરી હોસ્ટેલમાં પરત ફરે તે માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.

error: Content is protected !!