ઓનલાઇન ટાસ્કના નામે દંપતી સાથે રૂ. 29.38 લાખની સાયબર છેતરપિંડી

થાણે: થાણેના નૌપાડા વિસ્તારમાં રહેતા દંપતી સાથે ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી સાયબર ઠગોએ રૂ. 29.38 લાખની છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે નૌપાડા પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, 13 ડિસેમ્બર, 2025થી 8 ઑગસ્ટ, 2026 દરમિયાન આરોપીઓએ દંપતીનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ ‘એનટીએલ મીડિયા’ના પ્રતિનિધિ તરીકે આપી ઓનલાઇન વિવિધ ટાસ્ક પૂર્ણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી.આ માટે દંપતીને ‘એનટીએલ ઍપ’ ડાઉનલોડ કરીને રજિસ્ટર કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને અલગ-અલગ બેંક ખાતાંમાં નાણાં જમા કરાવવા તેમજ UPI મારફતે રકમ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં ઊંચા વળતરની આશા બતાવી દંપતી પાસેથી તબક્કાવાર નાણાંનું રોકાણ કરાવવામાં આવ્યું હતું.

બાદમાં દંપતીએ પોતાની કથિત કમાણી ઉપાડવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ ટેક્નિકલ કારણો બતાવી રકમ ઉપાડવા દીધી નહોતી. એટલું જ નહીં, કમાણી અનલૉક કરવા માટે વધુ નાણાંનું રોકાણ કરવાની માગણી કરવામાં આવી હતી. આ રીતે દંપતી પાસેથી કુલ રૂ. 29.38 લાખ પડાવી લેવાયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.આ અંગે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રકરણની તપાસ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

error: Content is protected !!