Trending News: બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ સહકાર પેનલનો કારમો પરાજય

બારડોલી: એશિયાની મોટી સહકારી ખાંડ સંસ્થાઓમાં સ્થાન ધરાવતી બારડોલી સુગરની ચૂંટણીના પરિણામોએ સહકારી રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. વર્તમાન સહકાર પેનલનો કારમો પરાજય થતાં કિસાન પરિવર્તન પેનલે સત્તા કબજે કરી છે. પરિણામે બારડોલી સુગરના સહકારી રાજકારણમાં વર્ષોથી જોવા મળતી સત્તાની સમીકરણો ધરમૂળથી બદલાઈ ગઈ છે.

કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજયઃ ઈશ્વર પરમાર સહિત દિગ્ગજોને સભાસદોએ આપ્યો ઝટકો, રાજકીય દખલ સામે સભાસદોના મતનો સ્પષ્ટ સંદેશ હોવાની ચર્ચા ચૂંટણીમાં સત્તાધારી પેનલ સામે સભાસદોએ મતપેટી મારફતે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હોવાનું પરિણામ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ખાસ કરીને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ જેવા રાજકીય રીતે જાણીતા ચહેરાઓને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે.

બારડોલી સુગર જેવી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાની ચૂંટણીમાં આ પરિણામ માત્ર પેનલની હાર-જીત પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ સહકારી સંસ્થાઓમાં રાજકીય દખલગીરી સામે સભાસદોના વલણનો સંકેત તરીકે પણ તેની ચર્ચા શરૂ થઈ છે. સભાસદોએ વિકાસ, પારદર્શિતા અને સહકારી હિતને પ્રાથમિકતા આપી પરિવર્તનના પક્ષમાં મત આપ્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે.સત્તાધારી સહકાર પેનલના પરાજયે હવે બારડોલી સુગરના આગામી વહીવટ સામે પણ અનેક અપેક્ષાઓ ઊભી કરી છે. કિસાન પરિવર્તન પેનલ હવે ચૂંટણી દરમિયાન કરાયેલા વચનોને અમલમાં કેવી રીતે મૂકે છે અને સુગરના સભાસદોના હિતને કેન્દ્રમાં રાખીને કેટલો પારદર્શક વહીવટ આપે છે, તેના પર સૌની નજર રહેશે.

આ પરિણામે એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે,સહકારી સંસ્થાની સત્તા ભલે રાજકીય પ્રભાવથી ઘેરાયેલી હોય, અંતિમ નિર્ણય સભાસદોના મતનો જ હોય છે.

error: Content is protected !!