સુરત : યુવાધનને નશાની ગર્તામાં ધકેલતા ડ્રગ્સના કારોબારીઓ સામે સુરત ગ્રામ્ય પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં SOGની ટીમે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડતાં નશાના કાળા કારોબારનો વધુ એક પર્દાફાશ થયો છે. જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર અંકલેશ્વરના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરી છે.
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગેરકાયદે નેટવર્ક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નં. ૪૮ પર મોટી નરોલી ગામની સીમમાં કીમ ખાડી બ્રિજના દક્ષિણ છેડા નજીક દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન એઝાજ શેરઅલી પઠાણ (રહે. ખોલવડ ગામ, રહેમતનગર, તા. કામરેજ, જી. સુરત)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં આરોપી પાસેથી વગર પાસ-પરમીટનું ૩.૪૫૦ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ ઉપરાંત રૂ.૫૬,૦૦૦ રોકડા, મોબાઇલ ફોન અને રૂ.૧.૫૦ લાખની બજાજ ડોમીનોર મોટરસાઇકલ સહિત કુલ રૂ.૨,૨૧,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી MD ડ્રગ્સનો જથ્થો અંકલેશ્વરના શેરૂ કુરેશી પાસેથી ખરીદીને લાવ્યો હતો. જેથી પોલીસે શેરૂ કુરેશીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હવે પોલીસની તપાસનો મુખ્ય સવાલ એ છે કે આ નશાનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને તેની પાછળના નેટવર્કમાં હજુ કેટલા લોકો સંકળાયેલા છે? સુરત ગ્રામ્ય SOG દ્વારા ડ્રગ્સના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.યુવાધનને નશાના ખપ્પરમાં ધકેલતા તત્વો સામે પોલીસની કાર્યવાહી આગળ પણ વધુ કડક બને તેવી શક્યતા છે.





