નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં વિકસી રહેલું અલ-નીનો આગામી સમયમાં વૈશ્વિક ગરમીને વધુ વેગ આપી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે આ અલ-નીનો ૧૯મી સદી બાદનું સૌથી શક્તિશાળી અલ-નીનો બની શકે છે અને તેની અસરથી ૨૦૨૭ વિશ્વનું સૌથી ગરમ વર્ષ બનવાની શક્યતા છે.
અમેરિકાના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરના તાજેતરના અનુમાન મુજબ ૨૦૨૬-૨૭ના ઉત્તર ગોળાર્ધના શિયાળામાં અલ-નીનો ‘વેરી સ્ટ્રોંગ’ બનવાની શક્યતા ૯૦ ટકાથી વધુ છે. નવેમ્બર દરમિયાન તે ચરમસીમાએ પહોંચે ત્યારે પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં આશરે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
અલ-નીનોની અસર માત્ર ગરમી પૂરતી મર્યાદિત નહીં રહે. વરસાદની પેટર્ન બદલાતા અનાજ, મકાઈ, સોયાબીન, ખાંડ અને અન્ય કૃષિ ઉત્પાદનોના ભાવ વધી શકે છે, જ્યારે ઊર્જા, ખાતર અને અન્ય કોમોડિટીના ભાવ પર પણ દબાણ આવી શકે છે.
ભારત માટે પણ ચિંતા વધી શકે છે. અલ-નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની શક્યતા હોવાથી કૃષિ ઉત્પાદન અને ખાદ્ય મોંઘવારી પર અસર થવાની આશંકા છે. વૈજ્ઞાનિકોના મતે ૨૦૨૭માં ભારતમાં પણ આકરી ગરમી અને હીટવેવનો ખતરો વધી શકે છે.News Source: GS




