વાલોડ તાલુકાના બુહારીની શ્રી મોરારજી રણછોડજી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. અગાઉ કરેલી રજૂઆત બાદ પણ ૧૯ દિવસ સુધી કોઈ ઉકેલ ન આવતા ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મંગળવારે બુહારી-બેડચિત સ્ટેટ હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ વહીવટી કચેરી, ગર્લ્સ કોમન રૂમ, સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી, વર્ગખંડમાં લાઈટ-પંખા, લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબ, Wi-Fi સહિતની પાયાની સુવિધાઓની માંગ સાથે આંદોલન કર્યું હતું. જેના કારણે આશરે ચાર કલાક વાહનવ્યવહાર પ્રભાવિત રહ્યો હતો.
ઘટનાની જાણ થતાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સ્થળ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ વચ્ચે બેસીને તેમની રજૂઆતો સાંભળી હતી. વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાઓના ઉકેલની માંગ કરી હતી. બપોરે ૩ વાગ્યે આંદોલન સમેટાતા વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.
વિદ્યાર્થીઓની પાયાની અને વ્યાજબી માંગણીઓનો વહેલી તકે ઉકેલ આવે તેવી હવે સૌની નજર છે.





