તાપી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વો સામે તાપી પોલીસની કડક કાર્યવાહી યથાવત છે. એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડે બાતમીના આધારે વ્યારા-ટીચકપુરા બાયપાસ રોડ પર નાકાબંધી કરી સિલ્વર રંગની ટોયોટા ઇનોવા કારને ઝડપી પાડી હતી. કારમાંથી ૪૯૭ બોટલ/ટીન વિદેશી દારૂ-બિયર સહિત કુલ રૂ.૮.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં કારની ઓળખ છુપાવવા માટે તેની અસલી નંબર પ્લેટ GJ-12-FB-3089ના બદલે ખોટી નંબર પ્લેટ MH-03-Z-6179 લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. કારની પાછળની સીટ તથા ડીકીમાંથી ખાખી પૂંઠાના બોક્સમાં છુપાવેલો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે વસીમ એહમદ ઉર્ફે પીન્ટુ મુનીર એહમદ રંગરેજ (ઉ.વ. ૩૮) અને નિહાલ હુસૈન જાકીર શેખ (ઉ.વ. ૨૫), બંને સુરત શહેરના રહેવાસી,ને ઝડપી પાડ્યા છે. જ્યારે કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસે રૂ. ૨,૯૭,૫૩૮નો દારૂ-બિયર, રૂ. ૫ લાખની ઇનોવા કાર અને રૂ. ૨૫ હજારના બે મોબાઈલ સહિત કુલ રૂ. ૮,૨૨,૫૩૮નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખોટી નંબર પ્લેટના આડશમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના નેટવર્કમાં ખળભળાટ મચ્યો છે.





