વડોદરા: વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સમક્ષ સાઇકાઇટ્રિક વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરોએ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ ગંભીર ફરિયાદો રજૂ કરી હતી. ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતાં ડૉ. બારોટની વડોદરાથી ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે બદલી કરી છે.
રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત રજૂઆતમાં શારીરિક-માનસિક હેરાનગતિ, રેગિંગ, અભદ્ર મેસેજ, કામકાજના સમય બાદ અયોગ્ય માંગણીઓ, હોસ્ટેલના રૂમ અંગે પૂછપરછ અને અભદ્ર ટિપ્પણીઓ સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઉપરાંત થીસીસ અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક નિર્ણય લેવાયો હોવાનું જણાવતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન તથા માનસિક શાંતિ સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. મેડિકલ સંસ્થાઓમાં રેગિંગ, હેરાનગતિ કે ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ રહેશે.





