SD Pay-અપના પે એપથી કરોડોની રમત, ₹634 કરોડના કથિત કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદઃ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે આશરે રૂ.634 કરોડના કથિત સાયબર કૌભાંડનો પર્દાફાશ કરી સુરત, ગાંધીનગર અને મહેસાણા સહિતના સ્થળોએથી છ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ SD Pay અને Apna Pay એપ મારફતે ટૂંકા ગાળામાં અસાધારણ વળતરની લાલચ આપી ગુજરાતમાં 1.5 લાખથી વધુ લોકોને રોકાણ કરાવ્યાનો પોલીસનો દાવો છે.પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ રૂ.1,000થી રૂ.25,000ના રોકાણ સામે દૈનિક વળતરનું વચન આપતા હતા. ઓનલાઈન બેંકિંગ, બિલ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ અને કેશબેક જેવી સેવાઓના નામે પણ યુઝર્સને આકર્ષવામાં આવતા હતા. SD Pay એપને ગૂગલ પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ્સ મળ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.તપાસ દરમિયાન સાત કંપનીઓના સંચાલન હેઠળના 15 બેંક ખાતામાં આશરે રૂ.634 કરોડના વ્યવહારો મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. વિવિધ કંપનીઓ સાથે જોડાયેલી 83 સાયબર ફ્રોડ ફરિયાદો પણ મળી છે.

આ કેસમાં આશિષ ગેડીયા, ભાવેશ ચૌહાણ, નીશી પ્રસાદ, સોહિલ મકવાણા, નીરવ પટેલ અને સૂર્યસિંહ રાઠોડની ધરપકડ કરાઈ છે. રાઠોડ કંપનીનો ડિરેક્ટર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. BNS અને IT Actની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

error: Content is protected !!